જળકમળ છાંડી જા રે
‘જળકમળ છાંડી જા રે, બાળા ! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે. ૧
કહે રે, ‘બાળક ! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?’ ૨
‘નથી, નાગણ ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’ ૩
‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?’ ૪
‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો;
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.’ ૫
નરસિંહ મહેતા





No comments:
Post a Comment